Saturday, January 1, 2011

માત્ર 12 વર્ષની ઉંમરે કિશોર આપમેળે આખું છાપું ચલાવે છે..


લખનૌ : 1, જાન્યુઆરી

સામાન્ય રીતે તમે બાર વર્ષના બાળકોને ન્યૂઝ પેપરમાં કાર્ટૂન વાળુ પાનું વાંચતા કે જોતા જોયાં હશે, પણ ઉત્તર પ્રદેશના અલ્હાબાદનો એક કિશોર 12 વર્ષની નાની ઉંમરમાં સામાજિક મુદ્દા ઉઠાવતું એક ન્યૂઝ પેપર કાઢે છે. આ ન્યૂઝ પેપરનો તે માત્ર એડિટર જ નહીં પણ રિપોર્ટર, પ્રકાશક અને વિતરક(ફેરિયો) પણ છે. 

અલ્હાબાદના ચાંદપુર સલોરી વિસ્તારની કાટજૂ કોલોનીમાં રહેતો ઉત્કર્ષ ત્રિપાઠી છેલ્લા એક વર્ષથી પોતાના હાથથી લખીને 'જાગૃતિ' નામનું ચાર પાનાનું એક અઠવાડિક છાપું કાઢે છે. તે બ્રજ બિહારી ઇન્ટર કોલેજમાં આઠમા ધોરણનો વિદ્યાર્થી છે.

આ વિશે ઉત્કર્ષ જણાવે છે, "હું સમાચાર પત્ર માટે સમાચાર ભેગા કરવાના કામથી લઇને તેનું સંપાદન, પ્રકાશન અને વિતરણનું કામ પણ જાતે જ કરું છું." મજાની વાત તો એ છે કે અન્ય સમાચાર પત્ર વાંચતા વાચકોની જેમ 'જાગૃતિ'ના વાચકોએ આ સમાચાર પત્ર મેળવવા માટે એક પૈસાનો ખર્ચ પણ નથી કરવો પડતો.

ઉત્કર્ષ પહેલા હાથથી સમાચારો લખી છાપાના ચાર પાના તૈયાર કરે છે અને બાદમાં તેની કોપી કઢાવી પોતાના વાચકો સુધી પહોંચાડે છે. હાલ 'જાગૃતિ'ના અંદાજે 150 વાચકો છે.

ઉત્કર્ષના જણાવ્યા પ્રમાણે 'જાગૃતિ'ના વાચકોમાં તેની શાળાના સહાધ્યાયીઓ, મોટા ધોરણના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને પાડોશીઓ સામેલ છે.

તે અભ્યાસ વચ્ચે કેવી રીતે સમય કાઢી આ કાર્ય કરી શકે છે તેના જવાબમાં જણાવે છે, "મારું માનવું છે કે જો આપના મનમાં કોઇ કામનું જૂનૂન હોય તો આપ ગમે તેટલા વ્યસ્ત હશો તેમ છતાં થોડા સમય તો કાઢી જ શકશો."

તે પોતાના છાપામાં સંપાદકીય પાના પર ભ્રૂણહત્યા, પર્યાવરણ જેવા સામાજિક મુદ્દા વિશે નિયમિત રૂપે લખતો રહે છે. આ સિવાય છાપામાં જનકલ્યાણકારી યોજનાઓ તેમજ બાળકોના કલ્યાણ માટે સરકારી નીતિઓ વિશેની જાણકારી આપે છે. તેમાં પ્રેરણાત્મક લેખો હોવાની સાથે-સાથે પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો, કલાકારો, રાજકીય નેતાઓની સફળતાની વાતો પણ હોય છે.



--
sushil R tyagi
vadodara
gujarat
.

No comments:

Post a Comment